Initiative

Web Studio

સરદારધામ ભવન નિર્માણ

અમદાવાદ શૈક્ષણિક ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર વિસ્તરી રહ્યું છે ત્યારે, આપણા શહેરમાં દુર દુરથી ગ્રામ્યના અંતરિયાળ વિસ્તારમાંથી આપણા સમાજના દીકરા-દીકરીઓ તેમની તેજસ્વી આંખોના સ્વપ્ના સાકાર કરવા અને માતા-પિતાનું ગૌરવ વધારવા, તેમજ રાષ્ટ્રની ઉન્નતી માટે વિકાસની આશા સાથે ઉચ્ચ અભ્યાસ અર્થે અમદાવાદ શહેરમાં આવે છે.ત્યારે તેઓને મદદરૂપ થવા આપણે સૌ કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છીએ. ઉચ્ચ અભ્યાસ અર્થે આવતા દીકરાઓને રહેવા-જમવાની વ્યવસ્થા પરવડે તેવા દરે ઉપલભ્ધ થાય, એવા ઉમદા હેતુ સાથે સરદારધામ દ્વારા કુમાર અને કન્યા છાત્રાલયનું કાર્ય પૂર્ણ કરી સમાજને લોકાર્પણ કરવાનું આપનું સ્વપ્ન સાકાર કરવાનું લક્ષ્ય છે."યુવા શક્તિ" સ્વયંમાં આત્મવિશ્વાસ , સંબંધોમાં સમૃધી અને નિર્ભયતા પ્રાપ્ત કરી સંપૂર્ણપણે શિક્ષિત, દીક્ષિત, વિકસિત અને સ્વયંભુ રક્ષિત થાય એવું આપણે સૌ ઈચ્છીએ છીએ."સરદારધામ" ના લક્ષ્યબિંદુઓને અમલમાં મુકવાનું ભગીરથ કામ આપ સૌના સહકારથી સાકાર કરીશું.નવી પેઢીના સોનેરી સ્વપ્ના કેળવણી થકી સાકાર કરવા આપના સહિયારા સુંદર પ્રયાસો થી જ શક્ય છે.સરદારધામના પાંચ ભવન પૈકી બે ભવનમાં ૧૦૦૦ દિકરાઓ રહી શકે તેવી કુમાર છાત્રાલય , બે ભવનમાં ૧૦૦૦ કિકરીઓ રહી શકે તેવી કન્યા છાત્રાલય અને વચ્ચે ના સમાજસેતુ ભવનમાં યુ.પી.એસ.સી/જી.પી.એસ.સી તાલિમ કેન્દ્ર ,મહેસુલ માર્ગદર્શન ,કાનુન માર્ગદર્શન કેન્દ્ર જેવી સમાજ ઉપયોગી પ્રવૃતિ કરવાનો મુળભુત હેતુ છે.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (જીપીબીએસ ૨૦૧૮-૨૦૨૬)

સરદારધામ દ્વારા મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજના સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપવા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2018નું આયોજન કરવામાં તા.૫-૬-૭-જાન્યુઆરી-૨૦૧૮ ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરવામાં આવેલ હતું.

મુખ્ય આકર્ષણો
 • 32 દેશોમાંથી 10,000 જેટલા પ્રતિનિધીઓની ઉપસ્થિતિ
 • 3,00,000થી વધારે મુલાકાતીઓ
 • પાટીદારોની પ્રગતિના પ્રતિબિંબ સમાન 500થી વધારે સ્ટોલનું એક્ઝિબિશન
 • ઉદ્યોગ જગતના અગ્રણીઓની ઉપસ્થિતિ
 • આર્થિક વિકાસના મુદ્દાઓ પર ખ્યાતનામ વક્તાઓ દ્વારા વિશેષ પ્રવચન
 • B2B પોર્ટલ દ્વારા પાટીદાર ભાઈ-બહેનો માટે બિઝનેસ નેટવર્કીંગની ખાસ વ્યવસ્થા
મુખ્ય ઉદ્દેશો
 • સમાજના નાના, મધ્યમ તથા મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવું
 • સમાજમાં નવાં ઉદ્યોગપતિઓ તૈયાર કરવા અને તેમને ઉપયોગી થવું
 • સમાજના શિક્ષિત યુવાનોને તાલિમબદ્ધ કરી તેમને સન્માન સાથે રોજગારી આપવી
Web Studio
Web Studio

ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન (જીપીબીઓ)

સરદારધામ દ્વારા પ્રસ્થાપિત મિશન 2026 અંતર્ગત પ્રથમ હરોળના 10,000થી વધુ ઉદ્યોગપતિઓને સંગઠીત કરીને ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશનની (જીપીબીઓ) રચના કરવામાં આવી છે. ઉપરાંત GPBO વિવિધ સ્તરે સંકલન કરીને સરકારની નિતીઓના ઘડતર તથા તેમાં જરૂરી સુધારાઓ માટે મદદરૂપ થશે. જીપીબીઓના નેટવર્કને જિલ્લા, રાજ્ય અને વિવિધ દેશોમા વિસ્તારવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જીપીબીઓના મુખ્ય ઉદ્દેશ
 • એકબીજા સાથે નેટવર્કિંગ દ્વારા પરસ્પર ઉપયોગી થવું
 • સમાજમાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવામાં ઉપયોગી થવું
 • શિક્ષિત અને સક્ષમ યુવાઓને રોજગારીની તકો પુરી પાડવામાં મદદરૂપ થવું
જીપીબીઓ દ્વારા ઉદ્યોગ જગત માટે ઉપયોગી એવા
 • મોટીવેશનલ પ્રોગ્રામ
 • ટ્રેઈનિંગ પ્રોગ્રામ
 • સેકટર આધારિત B2B મીટીંગ્સ
 • વ્યૂહાત્મક વૈશ્વિક જોડાણ
 • નવીન ટેકનોલોજી અને આધુનિક ધંધાકીય અભિગમ માટેના આયોજનો કરવામાં આવશે

P2P નેટવર્ક

GPBO દ્વારા પ્રસ્થાપિત P2P ઓનલાઈન બિઝનેસ નેટવર્ક ગામથી લઈને શહેર અને દેશ-વિદેશના તમામ પાટીદાર ઉદ્યોગકારો માટે નેટવર્કિંગનું શ્રેષ્ઠ માધ્યમ બની રહેશે. જેમાં નાના વ્યાપારીઓથી લઈને મોટા ઉદ્યોગપતિઓ પોતાના વ્યવસાયનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. P2P ઓનલાઈન નેટવર્ક આપના ઉત્પાદનો અને સેવાઓને પ્રમોટ કરવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ પુરુ પાડશે. આ ઉપરાંત P2P ઓનલાઈન નેટવર્ક દ્વારા કાચા માલ તેમજ અન્ય જરૂરીયાતો માટેના સપ્લાયર્સ સાથે આપ સીધો સંપર્ક કરી વ્યાજબી દરે ઉચ્ચ ગુણવત્તા મેળવી શકશો.

Web Studio
Web Studio

યુ.પી.એસ.સી અને જી.પી.એસ.સી તાલીમ કેન્દ્ર

સમાજના યુવાનો દરેક દિશામાં આગળ વધે એ જરૂરી છે. સમાજના યુવાનોને સ્વાભાવિક રીતે સરકારી નોકરીમાં જવાની ઈચ્છા હોય છે. અંતરીયાળ ગામડાંઓમાં રહેતા યુવાનો માર્ગદર્શન અને યોગ્ય માળખાકીય સુવિધાઓના અભાવે યોગ્ય રીતે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી શક્તા નથી. આ ઉદ્દેશથી સરદારધામ દ્વારા કેળવણીધામ અને ઉમિયાધામ જેવી ભગિની સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ સાઈન કરીને આવા અંતરીયાળ ગામડાંઓમાં રહેતા યુવાનો માટે સ્પર્ધાત્મક પરિક્ષાની તાલિમ માટેની સુંદર વ્યવસ્થા ઊભી કરી છે.

સરદારધામ દ્વારા અમદાવાદ,ગાંધીનગર,મહેસાણા,સુરત,ઉંઝા,બરોડા અને ભાવનગર ની સમાજની સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ કરીને યુ.પી.એસ.સી અને જી.પી.એસ.સી તાલિમ કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે. આ તાલિમ કેંદ્ર નો ૫૦% ખર્ચ જે તે સંસ્થા દ્વારા તેમજ ૫૦% ખર્ચ સરદારધામ દ્વારા આપવામાં આવે છે. આ તાલિમ કેંદ્ર ના પારદર્શક વહિવટ માટે સાથે સરકારમાંથી નિવૃત થયેલા સફળ અને યોગ્ય દિશા સૂચન કરી શકે તેવા આઈ.એ.એસ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. એક સામાન્ય પરિવારનો દીકરો કે દીકરી સ્પર્ધાત્મક પરિક્ષાની પ્રિલીમ પરીક્ષાથી લઈને છેક ઈન્ટર્વ્યૂ સુધી તાલીમ અને માર્ગદર્શન વિનામુલ્યે મેળવી શકે તે પ્રકારે અહીં સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

સરદારધામ દ્વારા યુ.પી.એસ.સી અને જી.પી.એસ.સી તાલીમ કેન્દ્ર માટે જોડાણ કરવામાં આવેલ સંસ્થાઓ. જ્યાં યુ.પી.એસ.સી અને જી.પી.એસ.સી તાલીમના વર્ગો ચાલે છે.

 • કેળવણીધામ – અમદાવાદ (http://www.kelavanidham.org)
 • ઉમિયા કરીયર ડેવલોપમેન્ટ કાઉન્સિલ (યુ.સી.ડી.સી.) – અમદાવાદ (http://www.ucdc.co.in)
 • સરદાર પટેલ એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ – ભાવનગર (http://www.speibvn.org)
 • સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ – સુરત (http://www.spstrust.com)
 • કડવા પાટીદાર સમાજ – ગાંધીનગર (http://umiyasansthan.com/ContactUs.aspx)
 • ઉમિયા કરીયર ડેવલોપમેન્ટ ટ્રસ્ટ – મહેસાણા
 • ઉંઝા કેળવણી મંડળ – ઉંઝા (http://www.unjhaeducationboard.org)
 • કાનમ પ્રદેશ પાટીદાર સેવા સમાજ- વડોદરા

વિદ્યાર્થી દત્તક યોજના (શિક્ષણ સહાય નિધી)

સમાજનો નબળો વર્ગ જો સબળા વર્ગ સાથે જોડાય તો હૂંફ અને હામ થકી સમાજમાં આપોઆપ સમરસતા સર્જાય. આ જ હેતુથી નબળા વર્ગના વિદ્યાર્થીઓને સબળા અને સશક્ત પરિવારો દત્તક યોજના થકી શૈક્ષણિક વિકાસમાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થી દત્તક યોજના અંતર્ગત સમાજના સબળા અને આર્થિક શસક્ત પરિવારના લોકો વધુ નહીં તો એક જ વિદ્યાર્થીની ભણવાની જવાબદારી ઉઠાવે તો તે વિદ્યાર્થીની સાથે સાથે સમગ્ર પરિવારનું ભાવિ પણ ઉજ્જવળ થાય છે. આમ વિદ્યાર્થી દત્તક યોજના એક એવી યોજના છે જે અંતર્ગત સમાજનો આર્થિક રીતે સદ્ધર વર્ગ સમાજના જ આર્થિક નબળા વર્ગને સહાયતા કરે છે. તેમજ આ યોજના અંતર્ગત સમાજના તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વગર વ્યાજની શૈક્ષણિક લોન આપવામાં આવે છે.

Web Studio
Web Studio

સરદારધામ મહેસૂલ માર્ગદર્શન કેન્દ્ર

પાટીદાર સમાજનો બહોળો વર્ગ આજે પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અને અંતરીયાળ ગામડાંઓમાં કૃષિ સાથે જોડાયેલો છે. ત્યારે સ્થાનિક અસામાજિક તત્ત્વો કે ભૂમાફિયાઓ દ્વારા ખેડૂતોની જમીન પર યેનકેન પ્રકારેણ કબ્જો જમાવવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. અભણ અને કાયદાકીય જાણકારી ન ધરાવતા આવા પરિવારો ઘણીવાર આવા પ્રબળ તત્ત્વો સામે કાયદાકીય શસ્ત્ર ઉગામી શક્તા નથી. પોતાની જમીન પર પોતાનો હક્ક જાળવીને સુંદર રીતે પાટીદાર સમાજનો ખેડૂત પરિવાર ખેતી થકી પ્રગતિ કરી શકે તે હેતુથી સરદારધામ દ્વારા “સરદારધામ નિ:શુલ્ક મહેસૂલ માર્ગદર્શન કેન્દ્ર” ની રચના કરવામાં આવી છે. મહેસૂલ માર્ગદર્શન કેન્દ્ર દ્વારા ખેડૂતોને સમાજના પ્રવૃત અને નિવૃત મહેસૂલ અધિકારીઓ અને કલેકટર મિત્રો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. જેમાં મહેસૂલ સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ખેડૂતોને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવે છે. મહેસૂલ માર્ગદર્શન માટે નિયમિત રીતે ખેડૂત મિત્રો વિવિધ જિલ્લાઓમાંથી સરદારધામ આવીને પોતાની જમીનને લગતી સમસ્યાઓ સમજાવે છે અને તેનું નિરાકરણ મેળવે છે.

સરદારધામ કાનૂન માર્ગદર્શન કેન્દ્ર

સમાજનો મધ્યમ વર્ગ કાયદા કાનૂનથી માહિતગાર બનીને પોતાનું અને પરિવારનું રક્ષણ કરી શકે તે હેતુથી “સરદારધામ નિ:શુલ્ક કાનૂન માર્ગદર્શન કેન્દ્ર” ચલાવવામાં આવે છે. જે અંતર્ગત સમાજના વિવિધ વર્ગો અને વિવિધ વ્યવસાયના લોકો આ સેવાનો લાભ લે છે. કાનૂન માર્ગદર્શન માટે વિવિધ સ્તરના લોકો પોતાને લગતા કાનુની પ્રશ્નો લઈને આવે છે અને તેના માટેનું કાનૂની માર્ગદર્શન મેળવે છે. કાનૂન માર્ગદર્શન માટે સમાજના જાણીતા એડવોકેટની પેનલ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવે છે. કાયદાની ઘોંચમાં ફસાયેલા પરિવારો માટે આ પ્રકારનું માર્ગદર્શન સમાજ માટે એક મોટું પ્રદાન છે.

Web Studio
Web Studio

ઉદ્યોગ તાલીમ કેન્દ્ર

એકવીસમી સદી ટેક્નોલોજીની સદી છે, જ્ઞાનની સદી છે. સમાજનો એક બહોળો વર્ગ ઉદ્યોગ સાહસિક્તા તરફ પણ ઝૂક્યો છે ત્યારે નવા ઉદ્યોગોની શક્યતાઓથી લઈને તેમાં કેવી રીતે વિકાસ કરવો તે અંગેનું માર્ગદર્શન ઉદ્યોગ તાલીમ કેન્દ્રમાં આપવામાં આવે છે. ઉદ્યોગ તાલીમ કેન્દ્ર અંતર્ગત સરદારધામ ખાતે વિવિધ સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. જેમાં સમાજના અને દેશના જાણીતા ઉદ્યોગ સાહસિકો સાથે સીધી મુલાકાત અને સેમિનારનું આયોજન કરીને કેવી રીતે ઉદ્યોગ સાહસિક્તાનો વધુ વિકાસ કરવો એ અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે. ઉદ્યોગ તાલીમ કેન્દ્ર માં સરદારધામ દ્વારા ગુજરાત સરકારના સાહસ “ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન-CED” સાથે MoU કરી સમાજના યુવાનોને ઉદ્યોગ સાહસિકતા અંગેની તાલિમ પુરી પાડવામાં આવે છે.ઉદ્યોગ તાલીમ કેન્દ્ર અંતર્ગત નિયમિત રીતે દેશના જાણીતા વક્તાઓ, મોટિવેશનલ ગુરુ, ઉદ્યોગ જગતના સફળ ઉદ્યોગપતિઓ સાથે સીધી વાત દ્વારા યુવાનો વિવિધ સ્તરના ઉદ્યોગો વિશે જાણે છે. સાથે આજના યુવાનોમાં સોફ્ટ સ્કીલ વિકસે સાથે તેનું વૈશ્વિક જોડાણ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર વિશ્વના પાટીદાર ઉદ્યોગપતિઓ સરદારધામની આ પાંખ સાથે સંકળાયેલા છે. સમગ્ર દેશ અને દુનિયામાં જાણીતા બનેલા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ સફળતા થકી સરદારધામે આજે ઉદ્યોગ જગતમાં એક નવી સામાજિક શૈલીને જન્મ આપ્યો છે.

સરદારધામ યુવા તેજ/તેજસ્વીની સંગઠન

સરદારધામ યુવા તેજ/તેજસ્વીની સંગઠન એક એવું તેજ તર્રાર સંગઠન છે જે સમાજને દરેક તબક્કે મદદરૂપ થવા તત્પર છે. માત્ર ધન અને સિમેન્ટ કોંક્રીટની દિવાલોથી સમાજની સેવા નથી થઈ શક્તી. પરંતુ તેમાં નવલોહિયા યુવાનોના પરિશ્રમનો પરસેવો ભળે ત્યારે સમાજ ઉન્નત બને છે. યુવા તેજ અને તેજસ્વીની સમાજીક સેવા માટે સતત તત્પર યુવા સંગઠન છે. જે સમાજને શિક્ષણ થકી, પરંપરાઓની વિશાળતા થકી, આધુનિક વિચારો થકી અને સાંસ્કૃતિક રંગો થકી સમાજને હંમેશા યુવાન રાખે છે. તેજ/તેજસ્વીની સંગઠન એ સરદારધામની એક એવી કસુંબલ પાંખ છે જે સરદારધામના દરેક પ્રસંગોનું હાર્દ છે જેના દ્વારા દરેક પ્રસંગ રળીયામણો અને સોહામણો દેખાય છે.

Web Studio
Web Studio

સરદારધામ –‘એક વિચાર’ મેગેઝીનનું માસિક પ્રકાશન

‘સરદારધામ – એક વિચાર’....મેગેઝીન એટલે આપણી વૈચારિક કાયા. સરદારધામની પાંચ ભવનની ઈમારત તો સમાજની ભૌતિક કાયા છે. પરંતુ સમાજની વૈચારિક કાયા પણ એટલી જ મજબૂત હોવી જરૂરી છે. ‘સરદારધામ- એક વિચાર’ સતત સમાજને જોડે છે. પરિવારથી પરિવારને જોડે છે. પરિવારની વાતો, સમાજની વાતો, બિઝનેસની વાતો, સફળતાની વાતો અને સાથે સાથે ખુમારી અને ખુદ્દારીથી બનતા જીવનની વાતો અહીં પ્રમુખ છે. લોહપુરુષ એવા સરદારસાહેબના સંસ્મરણોને ઉજાગર કરતા લેખો, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારો, સ્વામી વિવેકાનંદના ઉત્સાહ અને પ્રેરણાથી ભરી દેતા લેખો દ્વારા પાટીદાર સમાજ સતત પ્રેરણા લઈને જાગ્રુતિની દિશા તરફ આગળ વધે તે હેતુ અહીં છે. આ મેગેઝીન સમગ્ર સમાજને એક તાંતણે જોડે છે. સમાજ ભલે વિશ્વના દરેક ખૂણે વસે પરંતુ તેના ટેબલ પર પડેલા ‘સરદારધામ-એક વિચાર’ના લેખો તેને પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડે છે. સ્વામી સચ્ચિદાનંદ, ચંદ્રકાંત બક્ષી, જય વસાવડા, ગુણવંત શાહ, કાજલ ઓઝા વૈદ્ય, સુધા મૂર્તિ, નારાયણ મૂર્તિ જેવા સમાજને પ્રેરતા લેખકોના લેખ દ્વારા આ મેગેઝીન તૈયાર કરવામાં આવે છે.

up_aero.png
Feedback